Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

નવી દિલ્હી ખાતે આયોજિત “રાષ્ટ્રીય કૃષિ સંમેલન: ખરીફ અભિયાન-૨૦૨૫”માં ગુજરાતના પ્રતિનિધિ તરીકે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિ



ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યના કુલ ઉત્પાદનની ૨૫ ટકાની મર્યાદાને વધારીને ૪૦ ટકા કરવા મંત્રીશ્રીની રજૂઆત

(જી.એન.એસ) તા. 8

નવી દિલ્હી/ગાંધીનગર,

ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતા હેઠળ “રાષ્ટ્રીય કૃષિ સંમેલન: ખરીફ અભિયાન-૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આગામી ખરીફ સીઝનના આયોજન માટે આજ તા. ૮ મે, ૨૦૨૫ના રોજ યોજાયેલા આ સંમેલનમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા તેમજ ખેતી નિયામક શ્રી પી. એસ. રબારી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ સહભાગી થયા હતા.

સંમેલનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”ની જાહેરાત કરતા કહ્યું હતું કે, દેશના ખેડૂતોની જમીનનું સ્વાસ્થ્ય જાળવીને ખેત ઉત્પાદકતા વધારવા તેમજ પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે ભારત સરકાર દ્વારા દેશભરમાં આગામી તા. ૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યોજવામાં આવશે. આ અભિયાન દરમિયાન આશરે ૨,૦૦૦ જેટલા કૃષિ વૈજ્ઞાનિકો દેશના ૭૦૦ જિલ્લાની મુલાકાત લઈને સ્થાનિક ખેડૂતોને જમીન સ્વાસ્થ્ય, ખરીફ પાક, બિયારણ તેમજ પ્રાકૃતિક કૃષિ સંદર્ભે માર્ગદર્શન તેમજ સરકારની કૃષિલક્ષી યોજનાઓની માહિતી આપશે.  

આ રાષ્ટ્રીય સંમેલનમાં સંબોધન દરમિયાન કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગુજરાતના ખેડૂતો વતી ભારત સરકારને ટેકાના ભાવની ખરીદી માટે રાજ્યના કુલ ઉત્પાદનના ૨૫ ટકાની મર્યાદાને વધારીને ૪૦ ટકા કરવા માટે તેમજ દિવેલા પાકને ટેકાના ભાવે ખરીદીમાં સમાવવા માટે ભલામણ કરી હતી. આ ઉપરાંત કૃષિ મંત્રીશ્રીએ આગામી ખરીફ-૨૦૨૫માં વાવેતર સમયે જરૂરી એવા ડીએપી ખાતર તેમજ અન્ય ખાતરોની માંગ મુજબ ઉપલબ્ધતા થાય અને સમયસર ખાતરની ફાળવણી થાય તે માટે પણ રજૂઆત કરી હતી.

આટલું જ નહિ, મંત્રી શ્રી પટેલે રાષ્ટ્રીય સંમેલનમાં ઉપસ્થિત સૌને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરુ કરાવેલી કૃષિ મહોત્સવ, પાક ધિરાણ જેવી ગુજરાત સરકારની કૃષિલક્ષી નવતર પહેલોની સફળતા, સિદ્ધિઓ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષે ખેડૂતોના હિતમાં અમલમાં આવનાર નવી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા. તદુપરાંત, મંત્રીશ્રીએ રાજ્યના ખેડૂતોને રૂ. ૩ લાખના સ્થાને રૂ. ૫ લાખનું પાક ધિરાણ ઝડપથી મળે તેવી વ્યવસ્થા કરવા તેમજ સરકારની વિવિધ યોજનાઓ હેઠળ કરવા પાત્ર જરૂરી ફેરફાર બાબતે પણ ભારત સરકારને સૂચન કર્યું હતું.

આ પ્રસંગે વિવિધ રાજ્યોના કૃષિ મંત્રીશ્રીઓ, ભારત સરકારના કૃષિ મંત્રાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ વિવિધ રાજ્યોમાંથી સંમેલનમાં સહભાગી થવા પધારેલા કૃષિ વિભાગના અધિકારી-કર્મચારીઓ અને વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

જુનાગઢ વિલીંગ્ડન ડેમ તોપના 7 ગોળા ખમીનેય હજુ પણ અડીખમ છે

Admin

21 જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

Gujarat Desk

આજ નું પંચાંગ (૨૩/૦૬/૨૦૨૬)

Gujarat Desk

એક દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે યોજાય તે માટે  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના કાર્યક્રમનું સ્થળ બદલ્યું.

Gujarat Desk

રાજસ્થાનના બાલોતરામાં કાર અને જીપ વચ્ચે ભયંકર અકસ્માત; એક જ પરિવારના 5 સભ્યોનું દુખદ અવસાન

Gujarat Desk

જાહેરાતના શૂટિંગ દરમિયાન જુનિયર એનટીઆર ઘાયલ

Gujarat Desk