Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લાં 7 વર્ષમાં ભારતીય વરૂના 173 બચ્ચાંનો જન્મ થયો

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વન્યજીવ સંવર્ધન અને સંરક્ષણ માટે સમર્પિત

(જી.એન.એસ) તા. 19

ગાંધીનગર,

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત વન્યજીવ સંરક્ષણ માટે સમર્પિત પ્રયાસો કરી રહ્યું છે, જેથી દેશના સમૃદ્ધ નૈસર્ગિક વારસાનો લાભ ભાવિ પેઢીને મળે અને એક સંતુલિત ઇકોસિસ્ટમનું નિર્માણ થાય. વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂક્યા હતા, તેને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે આજે ગુજરાતે ઇન્ડિયન ગ્રે વુલ્ફ (ભારતીય વરૂ-કેનિસ લ્યુપસ પૅલિપસ)ના સંરક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઇન્ડિયન ગ્રે વુલ્ફ એક લુપ્તપ્રાય માંસાહારી પ્રાણી છે, જે હાલ માનવીય પ્રવૃત્તિઓના કારણે વસવાટના વિનાશનો સામનો કરી રહ્યા છે.

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

ભારતમાં રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના ભાગોમાં જોવા મળતા ઇન્ડિયન ગ્રે વુલ્ફની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી છે. આ પ્રાણી લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ છે અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની સૂચિ 1 હેઠળ સુરક્ષિત છે. ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં સ્થિત ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આ લુપ્તપ્રાય પ્રજાતિના સંરક્ષણ અને પુનરુત્પાદન માટે આશાનું કિરણ બન્યું છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ઇન્ડિયન ગ્રે વુલ્ફ સંરક્ષણ સંવર્ધન કાર્યક્રમ (CBP) નું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લાં 7 વર્ષમાં વરૂના 173 બચ્ચાંનો જન્મ થયો

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય વૈજ્ઞાનિક પદ્ધતિઓ, અત્યાધુનિક સુવિધાઓ અને વિશેષ પ્રજનન પહેલ દ્વારા ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. અહીં ભારતીય વરૂના પોષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણીય સંવર્ધન અને પ્રજનન વ્યવસ્થાપન દ્વારા સંરક્ષણ સંવર્ધન કાર્યક્રમ વેગવાન બની રહ્યો છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 2019-20માં 14, 2020-21માં 7, 2021-22માં 31, 2022-23માં 33, 2023-24માં 40 અને 2024-25માં 48- એમ સાત વર્ષમાં વરૂના કુલ 173 બચ્ચાંનો જન્મ થયો છે.

ભારતીય વરુઓની વ્યાપક સંભાળ

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે સંરક્ષણ સંવર્ધન કાર્યક્રમ હેઠળ વરૂઓને ઉચ્ચ ગુણવત્તાનો ખોરાક અને જરૂરી હોય તો સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે. સાથે જ, ખોરાક અને પાણી સલામત અને ગુણવત્તાયુક્ત છે કે નહીં તેની ખાતરી પણ કરવામાં આવે છે. એટલું જ નહીં, નિયમિત આરોગ્ય તપાસ, સેમ્પલ કલેક્શન, ત્વરિત તબીબી સંભાળ દ્વારા ભારતીય વરૂના આરોગ્ય પર દેખરેખ રાખવામાં આવે છે. પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને આ વરૂઓના રક્ષણ માટે રાત્રિ આશ્રય અને ક્રાલ (મજબૂત વાડ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, ભારતીય વરૂઓના વસવાટમાં સ્વચ્છતાનું પણ કડકાઈથી પાલન કરવામાં આવે છે. તેમને નિયમિતપણે રસી આપવામાં આવે છે, દર ત્રણ મહિને ડીવૉર્મિંગ કરવામાં આવે છે અને રસીકરણ બાદ એન્ટીબૉડી લેવલ પણ તપાસવામાં આવે છે.

સંવર્ધન વ્યવસ્થાપન

પ્રજનન માટે જોડીઓની પસંદગી આનુવંશિક વિવિધતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. મૅટિંગ, ગર્ભાવસ્થા, ફીડિંગ વગેરે પ્રવૃત્તિઓનું યોગ્ય મોનિટરિંગ કરવામાં આવે છે. ભારતીય વરુઓની કુદરતી વર્તણૂકોને પ્રોત્સાહનને આપવા માટે ખાસ ખોરાક ઉપરાંત, ગંધ અને વાતાવરણમાં ફેરફાર જેવા પરિબળોનું ધ્યાન રાખવામાં આવે છે. મૅટિંગ બાદ માદા વરૂની ગોપનીયતા અને આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમ્યાન માદા વરૂના હોર્મોન પરીક્ષણ, પોષણયુક્ત આહાર સુનિશ્ચિત કરવામાં આવે છે અને બચ્ચાંનો જન્મ થયા બાદ સ્વસ્થ વિકાસ સુનિશ્ચિત કરવા માટે તેમનું નિયમિત વજન અને આરોગ્ય તપાસવામાં આવે છે. ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ અને સંવર્ધનમાં સફળતા પ્રાપ્ત કરીને ગુજરાતે વન્યજીવોના સંરક્ષણમાં અન્ય રાજ્યો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

संबंधित पोस्ट

GUJCOST અને GEDA સાથે મળીને ઊર્જા સંરક્ષણ પખવાડિયાના ભાગ રૂપે શ્રેણીબદ્ધ પબ્લિક આઉટરીચ પ્રોગ્રામ / ઉર્જા વોકનું આયોજન

Gujarat Desk

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયાની અંદર ‘શાનદાર’ ડ્રોન હુમલાની પ્રશંસા કરી, કહ્યું કે ઓપરેશનથી રશિયાને ભારે ફટકો પડ્યો

Gujarat Desk

પંજાબ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: 2,838 પંચાયત સમિતિ બેઠકોમાંથી 675 બેઠકોના પરિણામો જાહેર, AAP 442 બેઠકો, કોંગ્રેસ 116 અને શિરોમણી અકાલી દળ (SAD) 64 બેઠકો પર જીત મેળવી

Gujarat Desk

એક હેડ કોન્સ્ટેબલની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી બે વર્ષથી અનડિટેક્ટ ચકચારી મર્ડરનો ભેદ ઉકેલાયો

Gujarat Desk

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજુ કરેલ “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫” સર્વાનુમત્તે પસાર

Gujarat Desk

ટ્રમ્પે ગર્ભાવસ્થા દરમિયાન એસિટામિનોફેનના ઉપયોગને ઓટીઝમ સાથે જોડ્યો

Gujarat Desk